
પાટણ, 04 જૂન (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂન, 2026ના રોજ પાટણ નજીક આવેલા નોરતાના મહાકાળી પીપળવન ખાતે ‘ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અભિયાન હેઠળ 1008 દેશી વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઈમેટ ચેન્જ સામે જનજાગૃતિ ફેલાવી સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણના રક્ષણ માટે વૈશ્વિક સ્તરે જનઆંદોલન ઊભું કરવાનો છે. ‘એક પરિવારનું વન, સમગ્ર વિશ્વનું રક્ષણ’ના સંદેશ સાથે પ્રકૃતિ સંરક્ષણની અનોખી પહેલ હાથ ધરાઈ છે.
‘ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ’નો મૂળ વિચાર સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને દરેક વ્યક્તિ, પશુ-પક્ષી અને જીવસૃષ્ટિ પ્રત્યે જવાબદારી નિભાવવાનો છે. આ અંતર્ગત પરિવારના દરેક સભ્યના નામે એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવામાં આવશે.
અભિયાનનું સૂત્ર ‘એક નામ – એક વૃક્ષ’ અને કાર્યમંત્ર ‘એક પરિવાર – એક વન’ રાખવામાં આવ્યું છે. જન્મ, લગ્ન, જન્મદિવસ, માતા-પિતાના સન્માન અને પૂર્વજોની સ્મૃતિ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી દરેક વૃક્ષ પરિવારની યાદો અને વારસાનું જીવંત પ્રતીક બની શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ