એક બીજથી હરિયાળા કાઠિયાવાડનું સ્વપ્ન: નિવૃત અધિકારી કલ્પેશ ભટ્ટનું અનોખું પર્યાવરણ અભિયાન
ભાવનગર, 04 જૂન (હિ.સ.) ભાવનગરના નિવૃત અધિકારી કલ્પેશ ભટ્ટે એક અનોખો સંકલ્પ કર્યો છે – “એક બીજ થકી કાઠિયાવાડને ફરી હરિયાળું બનાવવાનો.” વર્ષોથી પર્યાવરણ પ્રત્યેની લાગણી ધરાવતા કલ્પેશભાઈ સતત ત્રણ વર્ષથી દેશી વૃક્ષોના બીજ એકત્ર કરીને સિડબોલ તૈયાર કરી
બીજનું વાવેતર કરતાં કલ્પેશભાઈ ભટ્ટ


ભાવનગર, 04 જૂન (હિ.સ.) ભાવનગરના નિવૃત અધિકારી કલ્પેશ ભટ્ટે એક અનોખો સંકલ્પ કર્યો છે – “એક બીજ થકી કાઠિયાવાડને ફરી હરિયાળું બનાવવાનો.” વર્ષોથી પર્યાવરણ પ્રત્યેની લાગણી ધરાવતા કલ્પેશભાઈ સતત ત્રણ વર્ષથી દેશી વૃક્ષોના બીજ એકત્ર કરીને સિડબોલ તૈયાર કરી ભાલ પંથક સહિત વિવિધ વિસ્તારોમાં તેનો છંટકાવ કરી રહ્યા છે.

તેમનું માનવું છે કે કાઠિયાવાડના રસ્તાઓ પર જોવા મળતા વડ, પીપળા, લીમડા, શીમળા અને દેશી બોર જેવા વૃક્ષો માત્ર હરિયાળી જ નથી વધારતા, પરંતુ લોકો માટે છાંયો, પ્રાણવાયુ અને કુદરતી સંપત્તિનું અમૂલ્ય યોગદાન આપે છે. વર્ષો પહેલાં કોઈએ વાવેલા નાના બીજ આજે વિશાળ વૃક્ષોના રૂપમાં હજારો લોકોને લાભ પહોંચાડી રહ્યા છે. આ જ વિચારને આગળ વધારવા તેઓ વિવિધ વૃક્ષોના બીજ એકત્ર કરી રહ્યા છે.

હાલમાં વૃક્ષોમાં ફળ આવવાની મોસમ શરૂ થતાં લોકો દ્વારા ફેંકી દેવાતા બીજોને એકત્ર કરીને તેનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. કમર કાકડી, બોર અને અન્ય દેશી વનસ્પતિઓના બીજ ભેગા કરવામાં અનેક મિત્રો અને પર્યાવરણપ્રેમીઓ પણ સહયોગ આપી રહ્યા છે. આ બીજમાંથી તૈયાર થતા સિડબોલ વરસાદી ઋતુમાં કુદરતી રીતે અંકુરિત થઈ નવા વૃક્ષોના વિકાસમાં મદદરૂપ બને છે.

કલ્પેશભાઈ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ફેક્ટરી સંચાલકોને પણ અપીલ કરે છે કે તેઓ પોતાના પરિસરમાં દેશી વૃક્ષો ઉછેરવા માટે જગ્યા ફાળવે. જો દરેક સંસ્થા અને ઉદ્યોગ થોડો પણ પ્રયાસ કરે તો સમગ્ર વિસ્તારમાં હરિયાળીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે.

ભાવનગરના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાજવીઓએ શહેરને વિક્ટોરિયા પાર્ક, પીલ ગાર્ડન, વેળાવદર અને હાથબ બંગલા જેવી પ્રકૃતિની અમૂલ્ય ભેટ આપી છે. હવે આ વારસાને આગળ વધારી નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી સૌની છે. કલ્પેશભાઈ ભટ્ટનું આ અભિયાન બતાવે છે કે એક નાનું બીજ પણ ભવિષ્યમાં હરિયાળા પરિવર્તનનું કારણ બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande