સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બંધ પડેલી બોટમાં ભીષણ આગ, વાહનચાલકોએ ફાયર વિભાગને જાણ કરી
અમદાવાદ, 04 જૂન (હિ.સ.) : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બંધ પડેલી બોટમાં ભીષણ આગ લાગી હતી.રિવરફ્રન્ટ રોડ ઉપર જતાં વાહનચાલકોએ ફાયર વિભાગને જાણ કરી. રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે આજે એકાએક આગની ઘટના સામે આવતાં અફરાતફરી મચી ગઈ હતી
સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બંધ પડેલી બોટમાં ભીષણ આગ, વાહનચાલકોએ ફાયર વિભાગને જાણ કરી


અમદાવાદ, 04 જૂન (હિ.સ.) : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બંધ પડેલી બોટમાં ભીષણ આગ લાગી હતી.રિવરફ્રન્ટ રોડ ઉપર જતાં વાહનચાલકોએ ફાયર વિભાગને જાણ કરી.

રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે આજે એકાએક આગની ઘટના સામે આવતાં અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીબ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરીને રાખેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ગંભીર આગ ફાટી નીકળી હતી.

આગની લપેટો જોઈને બ્રિજ પરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકો અને વાહનચાલકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે આ ખાનગી બોટને કિનારે ગાંધીબ્રિજ નીચે લાંગરીને (બંધ હાલતમાં) રાખવામાં આવી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નીચે પહોંચવાને બદલે ફાયર ફાઇટરોની ટીમે સમયસૂચકતા વાપરીને ગાંધીબ્રિજની ઉપરથી જ બોટ પર પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર ટીમના સચોટ ઓપરેશનના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

સદનસીબે બોટ બંધ હોવાથી અને આસપાસ કોઈ નાગરિકો ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, બોટમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર, તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande