
- એક ઘરમાં બે પરિવારો રહેતા હોય પણ દરવાજો એક હોય એક જ ઘર ગણાશે
- મોટી ઉમરના કિસ્સામાં કોઇ પરિવારમાં એમની પુત્રી, બહેન પણ સાથે રહેતી હોય તો તેમને પરિવારના સભ્ય ગણાશે- ગણતરીદારની મુલાકાત સમયે ઘર બંધ હોય તો પાડોશીને પૂછીને પણ વિગતો મેળવી શકે છે
વડોદરા,04 જૂન (હિ.સ.) વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરીનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ થયો છે. જેમાં ગણતરીદારો હાઉસ લિસ્ટિંગ ઓપરેશનનું કામ કરવાના છે.ગુજરાતમાં પણ શરૂ આયાત થઈ ગઈ છે.
વડોદરા જિલ્લામાં 2169 બ્લોકમાં કુલ 2160 ગણતરીદારો કામ કરી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન કર્મચારીઓ પોતાના બ્લોકથી વાફેક થશે અને બાદમાં પહેલેથી ફાળવવામાં આવેલા નકશા મુજબ ઘર નંબરો આપશે.
બ્લોક વિભાજન માટે બે ઘટકોને ધ્યાને લેવામાં આવ્યા છે. એક તો 750 થી 850 વ્યક્તિ અને બીજું 200 થી 250 ઘરો.આટલી સંખ્યાના આધારે બ્લોકની રચના કરવામાં આવી છે. સેટેલાઇટની મદદથી રચવામાં આવેલા નકશાઓ પણ ગણતરીદારને આપવામાં આવ્યા છે.
હવે જ્યારે ગણતરીદાર કોઇ ઘરે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ઘરમાં જાય અને ત્યાં જૂએ કે એક ઘરમાં એક પરિવારના ભાઇઓ અલગ અલગ રહે છે ત્યારે શું કરવાનું ? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. એ માટે સરકાર દ્વારા એવું માર્ગદર્શિત કરવામાં આવ્યું છે કે, ઘરનો પ્રવેશ દ્વાર એક જ હોય તો ઘર એક જ ગણવાનું છે અને કુટુમ્બ બે.જો પ્રવેશ દ્વાર બે હોય તો ઘર બે ગણવાના અને કુટુમ્બ પણ બે ગણવાના રહે છે.
બીજી એક બાબત પણ રસપ્રદ છે. ધારો કે કોઇ પરિવારમાં એમની પુત્રી, બહેન પણ સાથે રહેતી હોય તો તેમને પરિવારના સભ્ય ગણવાની છે. ભલે તે ત્યક્તા કે વિધવા હોય. પણ યુગલ તરીકે નહી ગણવામાં આવે.
સરકાર દ્વારા આ વખતે પ્રથમ વખત ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ જનગણનામાં કરાઇ રહ્યો છે. આ વખતે પ્રથમ વખત નાગરિકો પોતાની જાતે જ ઓનલાઇન વિગતો આપીને સ્વગણના કરાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં 24 હજાર જેટલા લોકોએ એનો લાભ લીધો છે. ઓનલાઇન સ્વગણતરી કરનારા નાગરિકોએ હવે માત્ર ગણતરીદારને નોંધણીનો નંબર માત્ર આપવાનો રહેશે.
એવું પણ બને કે, ગણતરીદાર જ્યારે મુલાકાત લે ત્યારે ઘર બંધ હોય. એવા સંજોગોમાં તે પાડોશીને પૂછીને માહિતી મેળવી શકે છે. જો ઘર ખાલી હોય તો તે અંગેના રિમાર્ક્સ લખશે. નાગરિક હોય તો તેમને મળીને 34 પ્રકારના પ્રશ્નો પૂછી તેના જવાબો મેળવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ