
સુરત, 04 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. સુરત ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કુલ ₹4,950.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર મહત્ત્વાકાંક્ષી વીજ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
નવસારીમાં વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન દેશને સમર્પિત
વડાપ્રધાન ₹4,546 કરોડના ખર્ચે વિકસિત ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પાવરગ્રિડ કોર્પોરેશન દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઉચ્ચ ક્ષમતાવાળા વીજ પ્રવાહનું વધુ સશક્ત જોડાણ સ્થાપિત થશે તેમજ આંતરરાજ્ય વીજ પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
આ પ્રોજેક્ટમાં નવસારી (ન્યૂ) ખાતે અદ્યતન ડિજિટલ સબસ્ટેશન, નવસારીથી મહારાષ્ટ્રના પડઘે સુધીની 765 કે.વી. ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તેમજ નવસારીથી મગરવાડા અને કાલા સુધીની 400 કે.વી. ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે.
આ સુવિધાથી કચ્છના ખાવડા વિસ્તારમાંથી ઉત્પન્ન થતી રિન્યુએબલ એનર્જીનું અસરકારક રીતે ટ્રાન્સમિશન શક્ય બનશે અને ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થશે.
ઊર્જા ક્ષેત્ર માટે નવસારી ખાતે સ્થાપિત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે અને રાષ્ટ્રીય ટ્રાન્સમિશન નેટવર્કમાં ગુજરાતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
વલસાડમાં વીજ વિતરણ વ્યવસ્થાને મળશે નવી તાકાત
વડાપ્રધાન વલસાડ જિલ્લામાં ₹324.19 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા આરડીએસએસ યોજના હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રોજેક્ટ અંતર્ગત એબી કેબલિંગ, નવા ટ્રાન્સફોર્મર સ્થાપન, ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવા, જૂના કન્ડક્ટરોનું રીકન્ડક્ટરિંગ તથા ફીડર બાઇફર્કેશન જેવા કાર્યો કરવામાં આવ્યા છે.
તેના પરિણામે વીજ વિક્ષેપો, લો-વોલ્ટેજની સમસ્યા, ટ્રાન્સફોર્મર ઓવરલોડિંગ અને હવામાનજન્ય વીજ પુરવઠાની ખલેલમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના આશરે 5.98 લાખ વીજ ગ્રાહકોને સીધો લાભ મળશે.
બે નવા 66 કે.વી. સબસ્ટેશનોનું પણ થશે લોકાર્પણ
વડાપ્રધાન સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ₹48.20 કરોડના ખર્ચે નિર્મિત 66 કે.વી. વણકલા-ઓખા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સબસ્ટેશનથી આશરે 23,357 વીજ ગ્રાહકોને લાભ મળશે.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ₹32 કરોડના ખર્ચે નિર્મિત 66 કે.વી. ધામણી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સબસ્ટેશનથી 13 ગામોના અંદાજે 5,064 વીજ ગ્રાહકોને વધુ વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ થશે.
દક્ષિણ ગુજરાતનું વીજ માળખું બનશે વધુ મજબૂત
આ તમામ પ્રોજેક્ટ્સ કાર્યરત બનતા દક્ષિણ ગુજરાતનું વીજ માળખું વધુ સશક્ત બનશે. ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર અને ઘરેલુ ગ્રાહકોને વધુ વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે. સાથે જ ગુજરાત દેશના અગ્રણી ઊર્જા રાજ્ય તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે