
સુરત, 04 જૂન (હિ.સ.): સુરત શહેરમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા પણ વડાપ્રધાનનાં આગમનને પગલે કાયદો - વ્યવસ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. અલબત્ત, સુરત શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનાં વધી રહેલા કિસ્સાઓને કારણે શહેરીજનોનાં માથે જાન માલનું જોખમ ઉભું થવા પામ્યું છે. ગત રોજ સરથાણા જકાતનાકા પાસે દારૂનાં નશામાં ચૂર આર્કિટેક્ટ દ્વારા ઈવી કાર બેફામ હંકારીને અકસ્માત સર્જયો હતો. જેમાં બે ભાઈ સહિત ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી દ્વારા બેફામ કાર હંકારીને અકસ્માત સર્જતા રહેવાસીઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે સવારથી જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વાયરલ વીડિયોમાં પાલનપુર કેનાલ પાસે દારૂનાં નશામાં મનપાનાં કર્મચારી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્.યો હતો અને એક કાર સહિત ત્રણ બાઈકને અડફેટે લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે રહેવાસીઓ એકઠાં થઈ ગયા હતા અને મનપાનાં કર્મચારીનો રીતસરનો ઉઘડો લઈ લીધો હતો. દારૂનાં નશામાં છાટકા બનેલા કર્મચારી દ્વારા અકસ્માત સર્જતા સ્થાનિકોએ તેને ઘેરી લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે