
સુરત, 04 જૂન (હિ.સ.): વેસુ વિસ્તારમાં મની આર્કેડ ખાતે યુવકને લિફ્ટ પાસે બોલાવી બેઝમેન્ટમાં લઈ જઈ મારમારી ચપ્પુની અણીએ રોકડ અને ગૂગલ પે મારફતે કુલ રૂ.17,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ત્રણ પૈકી એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વેસુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીના ધામરોડ રોડ પર શાલીગ્રામ રેસીડેન્સીમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા જય બકુલેશચંદ્ર સોલંકી (ઉ.વ.35) ગત તા.3 જૂનના રોજ સાંજે વેસુ સ્થિત મની આર્કેડ ખાતે ગયા હતા.
દરમિયાન સાંજે 5.30 થી 5.45 વાગ્યાના સમયગાળામાં અજય રાજેન્દ્ર ખલાને (ઉ.વ.29.રહે,માધવ કોમ્પ્લેક્ષ, ઉધના) પ્રદીપ જયરામ આહિરે (રહે, સંપ્તશ્રુંગીમાતા મંદિરની ગલી, ઉધના) અને વિજય નામના ઇસમોએ તેમને લિફ્ટ પાસે બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ જય સોલંકીને ધક્કો મારી લિફ્ટમાં બેસાડી બેઝમેન્ટમાં લઈ ગયા હતા. જ્યાં અજયે પોતાની પાસે રહેલો ધારદાર ચપ્પુ તેના પેટ પર મૂકી ધમકી આપી હતી. સાથે જ શર્ટનો કોલર પકડી છાતીના ભાગે મુક્કા મારી હુમલો કર્યો હતો. તેમજ તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.3,500 તેમજ મોબાઈલમાં ગૂગલ પે મારફતે રૂ.14 હજાર ટ્રાન્સફર કરાવી કુલ રૂ.17,500ની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે જય સોલંકીએ ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે ગુનો દાખલ કરી અજય રાજેન્દ્ર ખલાને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે