
કિંગ્સ્ટન, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની પ્રથમ એકદિવસીય મેચમાં બુધવારે મોડી રાત્રે દમદાર પ્રદર્શન કરતા 41 રનથી જીત નોંધાવી. કપ્તાનીમાં વાપસી કરી રહેલા કુસલ મેન્ડિસે શાનદાર અર્ધશતક ફટકાર્યું, જ્યારે બોલરોએ લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કરતા ટીમને જીત અપાવી.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત થોડી સાવચેતીભરી રહી, જોકે પથુમ નિસાંકાને શરૂઆતમાં જીવનદાન મળ્યું જેનો તેમણે પૂરો ફાયદો ઉઠાવ્યો. બીજા છેડે કુસલ મેન્ડિસે શરૂઆતમાં સમય લીધો, પરંતુ પછી ઝડપથી રન બનાવતા ઇનિંગ્સને ગતિ આપી.
કુસલે ખાસ કરીને સ્પિનર ગુડાકેશ મોતી પર આક્રમણ કર્યું અને સતત મોટા શોટ ફટકાર્યા. તેમણે 62 બોલમાં 72 રનની ઝડપી ઇનિંગ્સ રમી. કુસલ અને નિસાંકા વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીએ શ્રીલંકાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
નિસાંકાએ 79 રન બનાવ્યા જ્યારે મધ્યક્રમમાં ચરિથ અસલંકાએ 45 અને જનિથ લિયાનાગેએ અણનમ 44 રન ઉમેરીને ટીમને 50 ઓવરમાં 303/7 સુધી પહોંચાડી.
લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝે ઝડપી શરૂઆત કરી. જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સે શરૂઆતની ઓવરોમાં આક્રમક બેટિંગ કરી, પરંતુ રન આઉટે ટીમની લય તોડી નાખી. આ પછી શ્રીલંકાના બોલરોએ સતત દબાણ બનાવ્યું.
મહીશ તીક્ષણાએ ગ્રીવ્સને આઉટ કરીને વાપસી કરાવી, જ્યારે વાનિન્દુ હસરંગાએ મહત્વપૂર્ણ વિકેટ લઈને મધ્યક્રમને ઝટકો આપ્યો. કેપ્ટન શાઈ હોપે સંઘર્ષ કરતા 56 રન બનાવ્યા, પરંતુ તેમને અન્ય બેટ્સમેનોનો પૂરતો સાથ મળ્યો નહીં.
અંતે દુષ્મંથા ચમીરાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી અને વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ 49.2 ઓવરમાં 262 રન પર સમેટાઈ ગઈ.
સંક્ષિપ્ત સ્કોર:
શ્રીલંકા – 303/7 (50 ઓવર)
પથુમ નિસાંકા 79, કુસલ મેન્ડિસ 72; મેથ્યુ ફોર્ડ 2/44
વેસ્ટ ઇન્ડિઝ – 262 (49.2 ઓવર)
શાઈ હોપ 56; દુષ્મંથા ચમીરા 4/67, મહીશ તીક્ષણા 2/26
પરિણામ: શ્રીલંકા 41 રનથી વિજેતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ