
પાટણ, 05 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના કોટાવડ ગામમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવ્યાનો આક્ષેપ કરી પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ સહિત સાસરી પક્ષના આઠ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ, ઓઢવા ગામની 33 વર્ષીય ભારતીબેન ચમારના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં કોટાવડના ભરતભાઈ મેઠાભાઈ ચમાર સાથે થયા હતા. દંપતીને બે પુત્રો છે. શરૂઆતમાં લગ્નજીવન સુખમય રહ્યું હતું, પરંતુ બાદમાં પતિ અને સાસરિયાઓ દ્વારા ઘરકામ સહિતની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
ગત 18 મે, 2026ના રોજ પરિણીતાના ભાઈ અને ભાભી વચ્ચે થયેલા ઝઘડા બાદ નણંદે ફોન પર ગાળો આપી હતી. ત્યારબાદ સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહોતું. અંતે સાસરિયાઓએ ભેગા મળી મારઝૂડ કરી ભારતીબેનને ઘરેથી કાઢી મુક્યાનો આરોપ છે.
અગાઉ પણ પોલીસમાં અરજીઓ કરવામાં આવી હતી, છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા પરિણીતાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પતિ, સાસુ, નણંદો અને નણંદોઈ સહિત આઠ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ 85, 296(બી), 115(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા એએસઆઈ મધુબેન વાઘેલાને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ