
નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). ઓસ્ટ્રેલિયાની હાઇપરસ્કેલ ડેટા સેન્ટર કંપની એરટ્રંકે, ભારતમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 5 ગીગાવાટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે એરટ્રંકના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા જણાવ્યું હતું કે, ભારતની ડિજિટલ માળખાગત સુવિધાની યાત્રા ઝડપથી આગળ વધી રહી છે. એરટ્રંકે ભારતમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 5 ગીગાવાટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે. આ દેશના ડિજિટલ માળખાગત સુવિધા ક્ષેત્રમાં પ્રસ્તાવિત સૌથી મોટા રોકાણોમાંનું એક છે.
તેમણે કહ્યું કે, આ રોકાણથી ક્લાઉડ કમ્પ્યુટિંગ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ના ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ સાથે, તેનાથી મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે, સ્થાનિક સપ્લાય ચેઇનને પ્રોત્સાહન મળશે અને નવીનતા આધારિત વિકાસને ગતિ મળશે.
મોદીએ કહ્યું કે, ભારત વિશ્વની ડિજિટલ અર્થતંત્રના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને તે સ્પષ્ટ છે કે, વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રનું ભવિષ્ય ઝડપથી ભારતમાં આકાર લઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ