જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં બાળમજૂરી કરાવનારા સંચાલકો સામે કાર્યવાહી
જામનગર, 05 જૂન (હિ.સ.) : જામનગર શહેરમાં બાળમજૂરી પ્રથાને નાબૂદ કરવા માટે શ્રમ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખોડિયાર કોલોની, રાજ ચેમ્બર્સ વિસ્તારમાં આવેલી ચામુંડા પાન એન્ડ હોટલમાં દરોડો પાડતા એક સગીર બ
બાળમજૂરી


જામનગર, 05 જૂન (હિ.સ.) : જામનગર શહેરમાં બાળમજૂરી પ્રથાને નાબૂદ કરવા માટે શ્રમ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખોડિયાર કોલોની, રાજ ચેમ્બર્સ વિસ્તારમાં આવેલી ચામુંડા પાન એન્ડ હોટલમાં દરોડો પાડતા એક સગીર બાળક પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તંત્ર દ્વારા બાળકને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જિલ્લા શ્રમ વિભાગના અધિકારીને મળેલી બાતમીના આધારે રાજ ચેમ્બર્સ વિસ્તારમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક સગીર બાળકને મજૂરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળતાં તેને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ બાળકની પૂછપરછ કરી જરૂરી વિગતો મેળવી હતી તેમજ સંસ્થા સંચાલક રમેશકુમાર કાનજીભાઈ મઘોડિયા પાસેથી જરૂરી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બાળમજૂરી પ્રતિબંધક કાયદાનો ભંગ થયો હોવાનું જણાતા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શ્રમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારની મજૂરીમાં રોકવા કાયદાકીય રીતે પ્રતિબંધ છે, અને આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળમજૂરી જેવી સામાજિક બુરાઈને અટકાવવા માટે નિયમિત ચકાસણી અને દરોડાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

આ કાર્યવાહીમાં શ્રમ વિભાગના અધિકારી ડી.ડી. રામી તેમજ તેઓની ટિમ અને સ્થાનિક પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળમજૂરને જરૂરી માર્ગદર્શન અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande