
પાટણ, 05 જૂન (હિ.સ.) : પાટણની ગ્રાન્ટેડ એમ.એન. પટેલ હાઇસ્કૂલને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમ આપવાના અનોખા પ્રયાસ બદલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વિશેષ પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મોકલાયેલું આ સન્માનપત્ર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલને અર્પણ કર્યું હતું.
ડિજિટલ યુગમાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ પણ નવી ટેક્નોલોજી સાથે આગળ વધી શકે તે હેતુથી શાળાએ નિઃશુલ્ક AI ક્લાસનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે પાછળ ન રહે તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી હતી.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઉદ્યોગપતિ બી.કે. પટેલના આર્થિક સહયોગથી શરૂ થયેલા આ વર્ગોમાં દર શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવી હતી.
અમદાવાદના માસ્ટર ટ્રેનર ચાર્મીશબેન મણિયારે આશરે 80 વિદ્યાર્થીઓને AI અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસમાં ઉપયોગી સાબિત થતાં હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ નિઃશુલ્ક AI વર્ગો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પહેલને અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયક ગણાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ