
ભાવનગર, 05 જૂન (હિ.સ.)
રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર આયોજિત વિશ્વ પર્યાવરણ અભિયાનના સમાપન પ્રસંગે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા તા. 05 જૂન, 2026 (શુક્રવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મંડળ કચેરી પરિસર (નવી બિલ્ડિંગ સામે), ભાવનગર પરા ખાતે વૃક્ષારોપણ તથા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર એસ. કે. મિશ્રાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ કરી હતી. આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની અધ્યક્ષા શાલિની વર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસનો સંદેશ આપતા વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. મંડળના તમામ શાખા અધિકારીઓએ વિવિધ પ્રજાતિના છોડનું રોપણ કરી તેમના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લીધો હતો.
પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી આયોજિત નિબંધ અને ચિત્રાંકન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન પુરસ્કાર આપી તેમની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરવામાં આવી હતી.
પોતાના અધ્યક્ષીય સંબોધનમાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રહી આપણા જીવનનો અભિન્ન ભાગ બનવું જોઈએ.
આ પ્રસંગે શાલિની વર્માએ પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા બાળકો અને યુવાનોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બની સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ વિકાસલક્ષી પર્યાવરણના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને સ્વચ્છ તથા હરિયાળા વાતાવરણના નિર્માણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલો આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભાવનગર મંડળની પ્રતિબદ્ધતા તથા ટકાઉ વિકાસ માટેના તેના સતત પ્રયાસોનું ઉત્તમ પ્રતિબિંબ સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ