વિશ્વ પર્યાવરણ દિવસે બોટાદનું ‘વનકવચ’ બન્યું હરિયાળું પ્રેરણાસ્ત્રોત
બોટાદ, 05 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “Inspired by Nature, For Climate, For Our Future” હેઠળ લોકોમાં પર્યાવરણ પ્રત્યે
વન કવચ નો ફોટો


બોટાદ, 05 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “Inspired by Nature, For Climate, For Our Future” હેઠળ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શહેરના પાળીયાદ રોડ પર વિકસાવવામાં આવેલું ‘વનકવચ’ આજે હરિયાળા વિકાસનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. અહીં અંદાજે 67 વિવિધ જાતિના રોપાઓનું પ્રતિ હેક્ટર દીઠ 10 હજાર રોપાના ઘનત્વ સાથે વાવેતર કરવામાં આવ્યું છે. લીમડો, પીપળો, અર્જુનસાદડ, ઉમરો, સરગવો, દેશી આંબળા, મહુડો, જાસુદ, ગુલાબી કરેણ, અગથીયો સહિત અનેક પ્રજાતિઓના રોપાઓ અહીં ઉછેરવામાં આવ્યા છે.

વનકવચના સંરક્ષણ અને વિકાસ માટે આધુનિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવા ચેઇન લિંક ફેન્સિંગ કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે પાથ-વે અને વનકેડી બનાવવામાં આવી છે, જ્યારે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરી શકાય તે માટે વન કુટીર પણ તૈયાર કરવામાં આવ્યું છે. રોપાઓને નિયમિત પાણી મળી રહે તે માટે ડ્રિપ અને સ્પ્રિંકલર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ઉપરાંત, છોડના ઝડપી વિકાસ માટે કોકોપીટ, શેરડીના છોતા અને દેશી છાણિયાં ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂને બોટાદ આરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત કૃષ્ણ સાગર તળાવ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે.

પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવાના પ્રયાસોમાં બોટાદનું ‘વનકવચ’ સ્થાનિક લોકો માટે પ્રેરણાદાયી પહેલ બની રહ્યું છે અને ભાવિ પેઢી માટે હરિયાળું ભવિષ્ય સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande