મગફળીમાં સફેદ ઘૈણના નિયંત્રણ માટે ખેડૂતોને પૂર્વ તૈયારી રાખવા અપીલ
બોટાદ, 05 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લાના ખેડૂતોને મગફળીના પાકમાં સફેદ ઘૈણ (મૂંડા)ના અસરકારક નિયંત્રણ માટે વાવણી પહેલાં અને વાવણી સમયે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ સૂચના આપી છે. સફેદ ઘૈણ મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડતી જીવાત હોવા
મગફળી નો ફાઈલ ફોટો


બોટાદ, 05 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લાના ખેડૂતોને મગફળીના પાકમાં સફેદ ઘૈણ (મૂંડા)ના અસરકારક નિયંત્રણ માટે વાવણી પહેલાં અને વાવણી સમયે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ સૂચના આપી છે. સફેદ ઘૈણ મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડતી જીવાત હોવાથી તેના સંકલિત વ્યવસ્થાપન માટે સમયસર તકેદારી રાખવી જરૂરી હોવાનું જણાવાયું છે.

ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા અને સુષુપ્ત અવસ્થાના કીટકો બહાર આવી જાય છે, જેના કારણે સૂર્યપ્રકાશ અને પરભક્ષી જીવોથી તેમનો નાશ થાય છે. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી ઢાલિયાઓને કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, ઘૈણના ઢાલિયા પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિના સમયે પ્રકાશ પીંજર ગોઠવી જીવાતનો નાશ કરી શકાય છે.

મૂંડાના અસરકારક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી જેવા જૈવિક નિયંત્રણના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બીજામૃતથી બીજ માવજત કરી વાવણી કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ છાણિયું ખાતર અને ઘન જીવામૃતનો ઉપયોગ જમીનની તંદુરસ્તી વધારવામાં મદદરૂપ બને છે.

ખેતરમાં પાક અવશેષોનું મલ્ચિંગ કરવા તેમજ મગફળી સાથે કપાસ, તુવેર, તલ અને સૂર્યમુખી જેવા આંતરપાક અપનાવવાથી પણ જીવાતના પ્રકોપમાં ઘટાડો થઈ શકે છે. રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર સમયે કલોરપાયરીફોસનો ઉપયોગ તેમજ બીજ માવજત માટે કલોરપાયરીફોસ, ફીપ્રોનીલ અને કલોથીયાનીડીન જેવી ભલામણ કરાયેલ દવાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

ખેતીવાડી વિભાગે ખેડૂતોને દવાઓનો ઉપયોગ કરતી વખતે લેબલ પર દર્શાવેલ સૂચનાઓ અને ભલામણ કરેલ માત્રાનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી મગફળીના પાકને સફેદ ઘૈણના નુકસાનથી સુરક્ષિત રાખી વધુ ઉત્પાદન મેળવી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande