
સુરત, 05 જૂન (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં પારિવારિક અદાવત હિંસક વળાંક લેતા પિતા-પુત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ બાકી નીકળતી રકમ પરત આપવાનું કહી પીડિત પરિવારના સભ્યોને ચાની લારી પાસે બોલાવ્યા હતા. ગૌતમ સોંડાગરના પિતા દિનેશભાઈ અને ભાઈ વિપુલ રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગૌતમની માતા મંગુબેન થોડા સમય પહેલા ઘર છોડીને અન્ય વ્યક્તિ સાથે રહેવા લાગ્યા હતા. પરિવારને શંકા હતી કે આ ઘટનામાં તેમના સંબંધીઓની ભૂમિકા હોઈ શકે છે. આ મુદ્દે બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી મતભેદ અને તણાવ ચાલી રહ્યો હતો, જે અંતે હુમલાનું કારણ બન્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગૌતમના માસા જગદીશ યાદવ અને તેના 18 વર્ષીય પુત્ર માનવ યાદવે મળીને હુમલાનું કાવતરું રચ્યું હતું. ગૌતમની ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં વરાછા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે