
જુનાગઢ 5 જૂન (હિ.સ.) વડાપ્રધાનના નેતૃત્વમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે આ વિકાસ યાત્રાના ભાગરૂપે વહીવટી સેવાઓને વધુ સરળ અને વેગવંતી બનાવવા માટે સુગમ ડિજિટલ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના સમય અને નાણાંની બચત સાથે આ પોર્ટલના માધ્યમથી તેઓને ઘરબેઠાં જ પેપરલેસ અને પારદર્શક સરકારી સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ લોકોને આંગળીના ટેરવે, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કડી સમાન સુગમ ડિજિટલ પોર્ટલ નાગરિકો માટે અત્યંત ઉપયોગી પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.
વિવિધ સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને યોજનાઓ માટે હવે નાગરિકોને કચેરીઓ સુધી પહોંચવાની જરૂર નથી, પરંતુ તેઓ ઘરે બેઠા જ ડિજિટલ માધ્યમથી અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુગમ ડિજિટલ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કાગળરહિત, પારદર્શક અને ઝડપી સેવાઓ પ્રદાન કરવાનો છે. આ પોર્ટલ થકી વહીવટી પ્રક્રિયા વધુ સુલભ અને ટેકનોલોજી સભર બની છે.
સુગમ ડિજિટલ પોર્ટલ નાગરિકોની સુવિધા માટે અનેક આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં પ્રથમ ચરણમાં નાગરિકો માત્ર પોતાનો મોબાઈલ નંબર અને પ્રાથમિક વિગતો ભરીને સરળ ઓનલાઈન નોંધણી કરી શકે છે.
સુગમ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જેમાં સૌપ્રથમ અરજદારે પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://sugamdigitalgujarat.com/ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ નવું રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરી, મોબાઈલ ઓટીપી વેરિફિકેશન દ્વારા પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે. આ રજીસ્ટર્ડ આઈડી-પાસવર્ડ વડે પોર્ટલમાં લોગિન કર્યા બાદ, સ્ક્રીન પર ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓમાંથી જોઈતી સેવા કે પ્રમાણપત્રનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આગળના ચરણમાં અરજી ફોર્મમાં માંગવામાં આવેલી વ્યક્તિગત અને સરનામાની વિગતો કાળજીપૂર્વક ભરીને, જરૂરી દસ્તાવેજો (ડોક્યુમન્ટ) પીડીએફ અથવા નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. તમામ વિગતો એકવાર બરાબર ચકાસી લીધા બાદ અરજી સબમિટ કરવાની રહેશે અને સબમિશન પછી સ્ક્રીન પર મળતો એપ્લિકેશન અથવા રેફરન્સ નંબર ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખવાનો રહેશે. આ નંબરની મદદથી અરજીની પ્રગતિ જાણવા માટે સમયાંતરે ટ્રેક એપ્લિકેશન ફીચરનો ઉપયોગ કરી શકાશે અને અરજી મંજૂર થતાં જ અરજદાર પોતાનું ડિજિટલ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ