
મુંબઈ, નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે શુક્રવારે જણાવ્યું કે, દેશનો વિદેશી મુદ્રા ભંડાર 682.3 અબજ ડોલરના મજબૂત સ્તરે છે, જે લગભગ 11 મહિનાની આયાત માટે પૂરતો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ, શુક્રવારે અહીં ચાલુ નાણાકીય વર્ષની બીજી દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વિવિધ નીતિગત પહેલ ચુકવણી સંતુલનને મજબૂત કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું કે, આ ઉપાયોમાં મુખ્ય વેપારી ભાગીદારો સાથેના તાજેતરના કરારો, વીમા ક્ષેત્રમાં 100 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ની મંજૂરી, ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ, ઊર્જા પરિવર્તનને પ્રોત્સાહન, સરહદી દેશો માટે એફડીઆઈ નિયમોમાં છૂટછાટ, બાહ્ય એટલે કે વિદેશોમાંથી વાણિજ્યિક ઉધાર (ઈસીબી) માળખાનું ઉદારીકરણ અને અન્ય પગલાં શામેલ છે.
તેમણે કહ્યું કે, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 29 મે, 2026 સુધીમાં 682.3 અબજ ડોલરના મજબૂત સ્તરે હતો, જે લગભગ 11 મહિનાની આયાત અને વિદેશી દેવા (89.1 ટકા) જેવા ભંડાર પર્યાપ્તતાના ધોરણો મુજબ પૂરતો છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે, અમારો વિદેશી મુદ્રા ભંડાર બાહ્ય આંચકાઓથી સુરક્ષા પૂરી પાડે છે. અમારી પાસે નિયમનકારી અને બજાર-આધારિત ઘણા સાધનો છે, જેનાથી જરૂર પડ્યે અસરકારક પગલાં લઈ શકાય છે. આ સંદર્ભમાં અમે સતર્ક છીએ અને વ્યવસ્થિત બજાર સ્થિતિ જાળવી રાખવા માટે જે પણ જરૂરી હશે તે કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
સંજય મલ્હોત્રાએ કહ્યું કે, કેન્દ્રીય બેંક અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતોને પૂરી કરવા અને નાણાકીય નીતિના અસરકારક પ્રસારણ માટે બેંકિંગ પ્રણાલીમાં પર્યાપ્ત રોકડ સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે, 2025-26 માં વૈશ્વિક આર્થિક ઉથલપાથલ વચ્ચે ભારતે ઊંચા શુલ્ક અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો. ગવર્નરે કહ્યું કે ઊર્જા કિંમતોમાં વધારો અને વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતાઓ નાણાકીય વર્ષ 2026-27 માં ભારતના ચાલુ ખાતાની ખાધ વધારવાનું જોખમ ઊભું કરે છે. તેમણે કહ્યું કે સેવા વેપારમાં સરપ્લસ અને વિદેશથી આવતા નાણાં પ્રેશણ થોડી રાહત પૂરી પાડશે.
આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 728.49 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ પશ્ચિમ એશિયા સંઘર્ષ શરૂ થયા પછી ઘણા સપ્તાહ સુધી તેમાં ઘટાડો થયો. તેનું કારણ રૂપિયા પર દબાણ વધ્યું અને ભારતીય રિઝર્વ બેંકને ડોલર વેચીને વિદેશી મુદ્રા બજારમાં હસ્તક્ષેપ કરવો પડ્યો.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ