
જૂનાગઢ, 05 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક અને ઇન્ચાર્જ સંયુક્ત ખેતી નિયામક એસ. એમ. ગધેસરીયા વય નિવૃત્ત થતાં ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
એસ.એમ. ગધેસરીયા ખેતીવાડી ખાતા માં ૩૦ વર્ષ સુધી વિવિધ કચેરી અને અલગ અલગ હોદ્દા પર નિષ્ઠા અને સમર્પણ થી ફરજો બજાવી સેવા નિવૃત થયા છે. તા. ૨૪-૧૨-૧૯૯૬ ના રોજ ખેતીવાડી અધિકારી,વર્ગ ૨ તરીકે ટીસિડી ફાર્મ માનસર તાલુકો હળવદ થી ખેતીવાડી ખાતામાં જોડાયા બાદ વર્ષ ૧૯૯૭ માં બદલી થી જૂનાગઢ ખાતે આવતા, જૂનાગઢ ની વિવિધ કચેરીઓ માં વર્ષ ૨૦૧૮ સુધી ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક અને નાયબ ખેતી નિયામક વર્ગ ૧ તરીકે ફરજો બજાવી ગાંધીનગર ખાતે માન.કૃષિ મંત્રીના અંગત મદદનીશ તરીકે તત્કાલીન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સરકારમાં પ્રતિનિયુક્તિથી કૃષિ નિષ્ણાત તરીકે બોલાવવામાં આવ્યાં હતાં અને રાજ્યના ખેડૂતોના હિતમાં અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકાવી બહોળા ખેડૂત વર્ગના લાભાર્થે ફરજો અદા કરી હતી. મુશ્કેલીના સમયમાં રાજ્યના ખેડૂતો ને કેમ રાહત મળે તે માટે સતત ચિંતા કરી, સચોટ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી ખેડૂતો ને મળતી સહાયોના ધોરણોમાં વિસંગતતાઓ દૂર કરી સહાય ધોરણોમાં વધારો કરાવ્યો. અનેક નવી યોજનાઓ અમલ માં મુકાવી. માર્ચ ૨૦૨૨ થી ફરી ખેતીવાડી ખાતા માં જૂનાગઢ ખાતે નિમણૂક મળતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) વર્ગ ૧ તરીકે ફરજો બજાવી સન્માનનીય સ્થાન મેળવ્યું.આમ, સેવા નિવૃત થયા ત્યારે સંયુક્ત ખેતી નિયામકની કચેરી અને નાયબ ખેતી નિયામક ની કચેરી દ્વારા નિવૃતિ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો હતો.
આ કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ચોવટીયા સાહેબ સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સહપરિવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયાએ એસ.એમ. ગધેસરીયાના નિખાલસ સ્વભાવ, પારદર્શક વહીવટ તેમજ નિષ્ઠાપૂર્વક કામગીરીઓને બિરદાવી હતી.
આ પ્રસંગે અમરેલીના નાયબ ખેતી નિયામક(વિ.) ભાવેશ પીપલીયાએ ગધેસરીયા ની સમગ્ર નિષ્ઠા અને સમર્પણથી ભરેલી નિષ્કલંક કારકિર્દીને બિરદાવી હતી. આ પ્રસંગ અધિકારી વાઘમશીએ ગધેસરીયા સાથે કોલેજ સમયગાળાથી નિવૃતિ સમયગાળા સુધીના સ્મરણો યાદ કર્યાં હતાં. કાર્યક્રમ નું સંચાલન ડો. કિશન ગજેરા અને નિશાંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગધેસરીયાએ ભાવુક વક્તવ્ય આપતા જણાવ્યું, અત્યાર સુધી જે કઈ કર્યું છે તે મારી ફરજ ના ભાગ રૂપે કર્યું છે જેમાં વિભાગના સૌ અધિકારી તેમજ કર્મચારી મિત્રો અને મારી કચેરી સ્ટાફનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો અને એના થકી જે કઈ સકારાત્મક અને અલગ કરી શક્યા છીએ એનો સંપૂર્ણ શ્રેય આપ સૌને આપું છું. ઘણા કાર્યોમાં સુધારો કરવાના કામો અધૂરા રહ્યા હશે જે કંડારેલી મજબૂત કેડીના લીધે આવતા સમયમાં સરળતાપૂર્વક થઈ શકશે.. અંત માં સૌનો હૃદયના ઊંડાણથી આદર સત્કાર અને સન્માન સ્વીકારતા આભાર માની જીવન દરમ્યાન આપ સૌના સાથ સહકાર અને લાગણીના ઋણી રહીશ તેમ ભાવુક સ્વરે જણાવ્યું હતું.
જૂનાગઢ વિભાગ હેઠળના જિલ્લાઓમાંથી તમામ તમામ સંવર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ