
જુનાગઢ 5 જૂન (હિ.સ.) જૂનાગઢ રાજ્યના યુવક-યુવતીઓના સર્વાંગી અને વ્યકતિગત વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં યુવક યુવતીઓ માટે જૂનાગઢ જિલ્લામાં ૪ દિવસીય 'જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને જિલ્લાકક્ષા યોગાસન તાલીમ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાનો છે. આ સંપૂર્ણ શિબિર રાજ્ય સરકારના ખર્ચે યોજવામાં આવશે, જેમાં પસંદ થયેલા ૩૦ ઉત્સાહી યુવક-યુવતીઓને ભાગ લેવાની અમૂલ્ય તક પૂરી પાડવામાં આવશે.
આ પ્રશિક્ષણ શિબિર દરમિયાન સહભાગીઓને યુવક મંડળની સ્થાપના, તેની કાર્યપધ્ધતી, પંચાયતી માળખાનો ઊંડો ખ્યાલ અને નેતૃત્વના વિવિધ પાસાઓ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, સામાજીક દુષણો સામે જનજાગૃતિ ફેલાવવા, રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવા અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે યોગાસનની વિશેષ તાલીમ પણ આ ૪ દિવસીય કાર્યક્રમમાં આવરી લેવામાં આવી છે. આ શિબિર યુવાધનને સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન કરી રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધારવા માટેનું એક સબળ માધ્યમ બનશે.
આ શિબિરમાં ભાગ લેવા માટે નિર્ધારિત વયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની રાખવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાના ફોર્મમાં જરૂરી તમામ વિગતો જેવી કે નામ, સરનામું, જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ ઉપરાંત NCC, NSS, રમતગમત કે સાહસિક પ્રવૃતિઓમાં મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અને વાલીનું સંમતિ પત્રક પણ બિડાણ કરવાનું રહેશે. અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતેથી મેળવી શકાશે.
ભરેલા ફોર્મ તમામ આધાર-પુરાવા સાથે આગામી તા. ૦૮/૦૬/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, આ શિબિરમાં માત્ર ૩૦ યુવક-યુવતીઓની જ પસંદગી કરવાની હોવાથી 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને વિભાગ દ્વારા મોબાઈલ ફોન મારફતે જાણ કરવામાં આવશે. શિબિર સંબંધિત વધુ વિગતો કે પૂછપરછ માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ