
જુનાગઢ,05 જૂન (હિ.સ.) જૂનાગઢ, તા.૦૫ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે માળિયા હાટીના તાલુકાના વીરડી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.જી. ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર તથા તાલુકા પરિવાર-માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધે, પર્યાવરણનું જતન થાય તેમજ આગામી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, તાલુકા પંચાયત માળિયા હાટીનાના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, ઉપપ્રમુખ કાના જોટવા, કારોબારી ચેરમેન યશ ભાડજા, જિલ્લા પંચાયત સદસ્થ રામ વાળા, નાનુ સિંધવ, રામસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશ ઝણકાટ, બહાદુર સિંહ કાગડા, રામસિંહ ડોડીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પમાં માળિયા તાલુકા તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા કુલ 251 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી વિવિધ નિષ્ણાત તબીબો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. કેમ્પ દરમિયાન મોઢા અને ગળાના કેન્સર, જનરલ સર્જરી, સ્ત્રીરોગ, દંતરોગ, જનરલ મેડિસિન તેમજ આયુર્વેદિક સારવાર સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કેમ્પમાં 35 સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરી તેમને જરૂરી આયર્ન અને કેલ્શિયમની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 21 દર્દીઓનું કેન્સર સ્ક્રીનિંગ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.
આ સાથે GMERS મેડિકલ કોલેજ બ્લડ બેંકના સહયોગથી આયોજિત રક્તદાન કેમ્પમાં ૨૮ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડૉ. કૃષ્ણઉન્ની નાયર (કેન્સર કન્સલ્ટન્ટ), ડૉ. સુહાગ ભાલોડિયા (જનરલ સર્જન, મેંદરડા)., ડૉ. સાગર(સ્ત્રીરોગ નિષ્ણાત, ડૉ. હિતેશ પંપાણીયા (દાંતના સર્જન), ડૉ. દીપક બી. વાઢેર, ડૉ. દીપક જોશી (આયુર્વેદિક, ડૉ. હર્ષા સાંખટ સહિત ના તબીબો એ પોતાની સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળીયાહાટીના આરોગ્ય વિભાગના ડૉ ડાભી, મિતેશ કછોટ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરની આરોગ્ય ટીમ તેમજ સંગઠન ની ટીમે જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ