
કચ્છ, 05 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા મીઠા (નમક) ચોરીના ગુનામાં ભચાઉ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી ચાર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લાના પોલીસ વડાઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીથી મિલ્કત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.
માહિતી મુજબ, ભચાઉ પોલીસ મથકે મીઠાની ચોરી અંગે નોંધાયેલા ગુનાની તપાસ ચાલી રહી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં વિશેષ ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે સંદિગ્ધ વ્યક્તિઓ અંગે મહત્વની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન ચોરીના ગુનામાં તેમની સંડોવણી સામે આવતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં આદિપુરના રહેવાસી નારાયણ ઉર્ફે કિરણ રવિન્દ્રનાથ ભુયાન, ભચાઉ તાલુકાના છાડવાડા ગામના સુરેશ ઉર્ફે સુરો નરશીભાઈ કોલી, લગધીરગઢના બચુ ઉર્ફે ટીનો વિભાભાઈ કોલી તેમજ જંગી ગામના અમરસીભાઈ રામાભાઈ કોલીનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. ભચાઉ પોલીસની આ સફળ કામગીરીથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar