

કચ્છ, 05 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી તેમને પરત સોંપવાના પ્રયાસોને વધુ મજબૂતી આપતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ હાથ ધરાયેલી વિશેષ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે કુલ 11 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા અને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ચોરાયેલા અથવા ગુમ થયેલા માલમત્તાના પુનઃપ્રાપ્તિ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
તાજેતરના સમયમાં અનેક નાગરિકોએ પોતાના મોબાઈલ ફોન ગુમ થયાની અરજીઓ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મોબાઈલ ફોન આજના સમયમાં માત્ર વાતચીતનું સાધન નહીં પરંતુ વ્યક્તિગત માહિતી, મહત્વના દસ્તાવેજો અને સંપર્કોની સુરક્ષા સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ટીમે ગુમ થયેલા ફોનના IMEI નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.
CEIR (Central Equipment Identity Register) પોર્ટલ અને આધુનિક ટેક્નિકલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પોલીસે સતત ફોલોઅપ હાથ ધર્યો હતો. લાંબી અને સચોટ તપાસ બાદ વિવિધ સ્થળોએથી કુલ 11 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. અંદાજે રૂ. 1.10 લાખની કિંમતના આ મોબાઈલ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબંધિત અરજદારોને બોલાવી તેમના મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ પોતાનો કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો અગત્યનો ડેટા સુરક્ષિત રીતે પાછો મળતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકોએ પોલીસની ટેક્નિકલ કુશળતા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એન. વાઢીયા તથા પોલીસ કોન્સ્ટેબલ હરદાનભાઈ માળીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલી માલમત્તા તેના સાચા માલિક સુધી પહોંચાડવાના પોલીસના પ્રયાસો નાગરિકોમાં વિશ્વાસ વધારતા સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar