સરકારી સહયોગે ભુજની બાંધણીને મળી રાષ્ટ્રીય ઓળખ, જેબુનીશા ખત્રીનો ઘરઆંગણેથી દેશવ્યાપી સફળતા સુધીનો સફર
કચ્છ, 05 જૂન (હિ.સ.) : કચ્છની પરંપરાગત બાંધણી કળા આજે માત્ર સ્થાનિક બજારો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ સફળતાની પાછળ અનેક કારીગરોની મહેનત અને સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક યોજનાઓનો મહત્વનો
કચ્છી બાંધણી વર્ક


કચ્છી બાંધણી વર્ક


કચ્છી બાંધણી વર્ક


કચ્છી બાંધણી વર્ક


કચ્છી બાંધણી વર્ક


કચ્છ, 05 જૂન (હિ.સ.) : કચ્છની પરંપરાગત બાંધણી કળા આજે માત્ર સ્થાનિક બજારો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ સફળતાની પાછળ અનેક કારીગરોની મહેનત અને સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક યોજનાઓનો મહત્વનો ફાળો છે. ભુજની જેબુનીશા ખત્રી એ તેનું જીવંત ઉદાહરણ છે, જેમણે પરિવારની પરંપરાગત કળાને આધુનિક બજાર સાથે જોડીને સફળ વ્યવસાયનું રૂપ આપ્યું છે.

બાંધણી કળા સાથે ચાર પેઢીથી સંકળાયેલા જેબુનીશાબેનના પરિવારે વર્ષોથી આ પરંપરાગત હસ્તકલા જીવંત રાખી છે. સાડી, દુપટ્ટા, કુર્તા, ડ્રેસ મટિરિયલ સહિતની વિવિધ બાંધણી પ્રોડક્ટ્સ તૈયાર કરીને તેઓ ઘરેથી જ વેચાણ કરતા હતા. ગુણવત્તાયુક્ત કારીગરી હોવા છતાં મર્યાદિત બજાર અને ગ્રાહકો સુધી પહોંચ ન હોવાને કારણે આવક પણ મર્યાદિત રહેતી હતી. સમય જતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હસ્તકલા ક્ષેત્રના કારીગરો તથા મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ માર્કેટિંગ પ્લેટફોર્મ અને વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું. આ તકનો લાભ લેતા જેબુનીશાબેને પોતાના ઉત્પાદનોને નવા બજારોમાં રજૂ કરવાની શરૂઆત કરી. વિવિધ શહેરોમાં યોજાયેલા પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લેતા તેમની બાંધણી કૃતિઓને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો અને કચ્છની આ પરંપરાગત કળા વધુ વ્યાપક સ્તરે પહોંચી. વેચાણ મેળાઓ અને પ્રદર્શનોથી મળેલી ઓળખના કારણે આજે જેબુનીશાબેનના ઉત્પાદનો માટે માત્ર કચ્છ કે ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી પણ માંગ ઊભી થઈ છે. ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત થતાં તેમને નિયમિત ઓર્ડર મળવા લાગ્યા છે. પરિણામે વ્યવસાયનો વ્યાપ વધ્યો છે અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

જેબુનીશાબેનનું માનવું છે કે પરંપરાગત કારીગરીને યોગ્ય બજાર અને માર્ગદર્શન મળે તો સ્થાનિક કળાકારો પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી શકે છે. સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પ્લેટફોર્મના કારણે તેઓ પોતાની કળાને વધુ લોકો સુધી પહોંચાડી શક્યા છે અને સ્વરોજગારના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છે.

ભુજની જેબુનીશા ખત્રીની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ કચ્છની બાંધણી કળાની સમૃદ્ધ પરંપરાનું પ્રતિબિંબ પણ છે. તેમની સફર અન્ય મહિલા કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની રહી છે, જે દર્શાવે છે કે પ્રતિભા, પરિશ્રમ અને યોગ્ય તક મળે તો સ્થાનિક કળા પણ વૈશ્વિક ઓળખ તરફ આગળ વધી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande