ખાવડા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન પર પોલીસનો કડક પ્રહાર, હિટાચી મશીન જપ્ત
કચ્છ, 05 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને રેતીના અનધિકૃત ખનન સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી
ગેરકાયદેસર ખનિજ ખનન પર કાર્યવાહી


ગેરકાયદેસર ખનિજ ખનન પર કાર્યવાહી


કચ્છ, 05 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને રેતીના અનધિકૃત ખનન સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને રોયલ્ટી અથવા પાસ-પરમિટ વિના ચાલી રહેલા રેતીના ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાવડા વિસ્તારની પેટ્રોલિંગ કામગીરી દરમિયાન સતર્ક નજર રાખી રહી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નાના દિનારા ગામની સીમમાં હિટાચી મશીનની મદદથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન બાતમી સાચી ઠરી હતી અને સ્થળ પર એક હિટાચી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મશીનના સંચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કૃષ્ણદાસ અશોકનાથ ગોસ્વામી હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં તેની પાસે ખનન માટે જરૂરી કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી, રોયલ્ટી રસીદ કે પાસ-પરમિટ ન હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે આ કામગીરી પોતાના માલિકના કહેવાથી કરવામાં આવતી હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને સ્થળ પર બોલાવી ખનન માટેના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ માન્ય આધાર પુરાવા રજૂ કરી શકાયા નહોતા. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક ખાણ અને ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડને જાણ કરી હતી. વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ખોદકામની માપણી કરી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

તપાસ બાદ ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતું અંદાજે 50 લાખ રૂપિયાની કિંમતનું હિટાચી મશીન કબજે લેવામાં આવ્યું હતું અને સીઝર મેમો તૈયાર કરવામાં આવ્યો હતો. ખોદવામાં આવેલા ખનીજના જથ્થા, દંડની રકમ અને અન્ય કાયદાકીય પાસાઓ અંગે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી અને કુદરતી સંપત્તિના દુરુપયોગ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande