માંડવીમાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપાયો: એલસીબીની દરોડાકાર કાર્યવાહીથી બે શખ્સ ઝડપાયા, એક ફરાર
કચ્છ, 05 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. માંડવી શહેરના ભુંકપનગરી વિસ્તારમાં કરવામાં આવેલી દરોડાકાર કાર્યવાહીમાં પોલીસે એક દેશી
હથિયાર સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 05 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. માંડવી શહેરના ભુંકપનગરી વિસ્તારમાં કરવામાં આવેલી દરોડાકાર કાર્યવાહીમાં પોલીસે એક દેશી બનાવટનો તમંચો, જીવતો કારતુસ, એરગન સહિત અનેક જીવલેણ હથિયારો કબ્જે કરીને બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અભિયાનના ભાગરૂપે એલસીબીની ટીમ માંડવી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુંકપનગરી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ઘરમાંથી એક દેશી બનાવટનો તમંચો (કટ્ટો) અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. ઉપરાંત એરગન પિસ્ટલ, ધારદાર છરીઓ, ધારીયા, કુહાડી, કરવત, લાકડાના ધોકા તેમજ વિવિધ કદના લોખંડના પાઈપો સહિત અનેક પ્રકારના હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા.

પોલીસે મકાનમાં હાજર અહેજાજઅહેમદ રજાકમીયા બુખારી (ઉંમર 29 વર્ષ) અને મુશરફ રજાકમીયા બુખારી (ઉંમર 24 વર્ષ)ની પૂછપરછ કરી હતી. બંને આરોપીઓ પાસે હથિયારો રાખવા અંગે કોઈ માન્ય પરવાનો કે કાયદેસર દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન દેશી તમંચો તેમના પિતા રજાકમીયા બુખારી દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સામે અગાઉ પણ મારામારી અને અન્ય ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા ત્રીજા આરોપી રજાકમીયા અબ્દુલઅજીજમીયા બુખારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. તેમની સાથે એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ અને રાજેશભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક તત્વો સામેની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે, જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande