
કચ્છ, 05 જૂન (હિ.સ.) : ચોમાસાની મોસમ દરમિયાન દરિયામાં સર્જાતી જોખમી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટીતંત્રે માછીમારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ જાહેર કરેલા આદેશ મુજબ કચ્છ જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં ૪ જૂન, ૨૦૨૬થી ૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી માછીમારીની તમામ પ્રવૃત્તિઓ પર કામચલાઉ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયામાં તોફાની પવન, ઊંચા મોજાં અને અચાનક બદલાતી હવામાન પરિસ્થિતિઓના કારણે માછીમારોના જીવન અને સંપત્તિને જોખમ ઊભું થાય છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માછીમારો સુરક્ષિત રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને માછીમારીના હેતુથી સમુદ્ર અથવા ક્રીક વિસ્તારમાં જવાની મંજૂરી રહેશે નહીં. સાથે જ માછીમારી માટે ઉપયોગમાં લેવાતી બોટોની અવરજવર પણ સંપૂર્ણપણે બંધ રહેશે. દરિયામાં જતી બોટો અને માછીમારી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા માટે સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી છે.
જોકે કેટલીક આવશ્યક સેવાઓ અને વિશિષ્ટ પ્રવૃત્તિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. વેપારિક હેતુસર પોર્ટ પર આવતા-જતા જહાજો, લશ્કરી અને અર્ધલશ્કરી દળોની બોટો તેમજ પોલીસ વિભાગની નૌકાઓ માટે આ નિયમ લાગુ પડશે નહીં. ઉપરાંત દરિયાકિનારે પગપાળા માછીમારી કરતા પગડિયા માછીમારો અને એન્જિન વિનાની પરંપરાગત લાકડાની હોડીઓ માટે પણ રાહત આપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી વિશેષ મંજૂરી મેળવનારી બોટોને પણ નિયત શરતો હેઠળ કામગીરી કરવાની છૂટ રહેશે.
જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના અમલીકરણ, તપાસ અને જરૂરી કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે તમામ માછીમાર ભાઈઓને આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જવાની અને જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણય લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar