વિશ્વ પર્યાવરણ દિવસે કચ્છના ગામોમાં સ્વચ્છતાની હરિયાળી હાકલ: “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનથી જનજાગૃતિનો પ્રારંભ
કચ્છ, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે કચ્છ જિલ્લામાં ગ્રામ્ય સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) હેઠળ કાર્યરત સ્વચ્
વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા કાર્યક્રમ


વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા કાર્યક્રમ


કચ્છ, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે કચ્છ જિલ્લામાં ગ્રામ્ય સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, પર્યાવરણના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો તેમજ પ્લાસ્ટિકના વધતા ઉપયોગ સામે સામૂહિક જનઆંદોલન ઊભું કરવાનો છે.

જિલ્લાના વિવિધ ગામોમાં અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોને ઘન કચરા વ્યવસ્થાપનની પદ્ધતિઓ, કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ ગામોમાં અગાઉથી ઉભી કરાયેલી સ્વચ્છતા સુવિધાઓનો વધુ અસરકારક ઉપયોગ થાય તે માટે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.

પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો દ્વારા ગ્રામજનોને પર્યાવરણ પ્રત્યે જવાબદારીપૂર્ણ વલણ અપનાવવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. હરિયાળું અને સ્વચ્છ ગામ એ માત્ર વિકાસનું પ્રતીક નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો એક મહત્વપૂર્ણ સંકલ્પ પણ છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લાના તમામ ગામોમાં વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ગ્રામસભાઓ દ્વારા સ્થાનિક સ્તરે પર્યાવરણલક્ષી નિર્ણયો અને જનભાગીદારીને વધુ વેગ મળશે.

અભિયાનના ભાગરૂપે “મારું ગામ – સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે સામૂહિક સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. ગામના જાહેર માર્ગો, શેરીઓ, સરકારી સ્થળો અને અન્ય વિસ્તારોમાં ગ્રામજનોની સહભાગિતાથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ પ્રયાસો માત્ર સફાઈ પૂરતા મર્યાદિત નથી, પરંતુ લોકોમાં સામાજિક જવાબદારી, સહકાર અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ દ્વારા જિલ્લાના તમામ ગ્રામજનોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના ગામને સ્વચ્છ, સુંદર તથા પર્યાવરણમૈત્રી બનાવવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટેનો આ સામૂહિક પ્રયાસ કચ્છના ગ્રામ્ય વિકાસને નવી દિશા આપશે અને “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ”ના સંકલ્પને સાકાર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande