
ભરૂચ/વડોદરા, 05 જૂન (હિ.સ.)-વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં આયોજિત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ દૈનિક જીવનમાં પર્યાવરણમૈત્રી આદતો અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકે, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ ઉપસ્થિત લોકોને પર્યાવરણ સંરક્ષણની શપથ પણ લેવડાવવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા મંડળ મુખ્યાલય ખાતે પણ પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ, સ્કાઉટ-ગાઈડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વડોદરા વન વિભાગના સહયોગથી અંદાજે 500 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પર્યાવરણ વિષયક નિબંધ, ચિત્રકલા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાઓના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ ટીમ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે નુક્કડ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.પશ્ચિમ રેલવે, વડોદરા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, હરિત જીવનશૈલી અને સ્વચ્છ તથા ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે