
પાટણ, 05 જૂન (હિ.સ.) : ચાણસ્માના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય જીગરકુમાર સોલંકી છેલ્લા એક મહિનાથી સગીર બાળાનો પીછો કરી તેને રસ્તામાં રોકી બિભત્સ ઇશારા કરીને માનસિક રીતે હેરાન કરતો હતો. ડરના કારણે બાળાએ શરૂઆતમાં કોઈને આ અંગે જાણ કરી નહોતી. 23 ફેબ્રુઆરી 2025ના રોજ સગીરા બજારમાં શાકભાજી લેવા જતી હતી ત્યારે આરોપીએ તેનો રસ્તો રોકી હાથ પકડી લીધો હતો. તેણે બિભત્સ ઇશારા કરીને પોતાની સાથે આવવા દબાણ કર્યું અને ₹200 આપવાની લાલચ પણ આપી હતી. ઘટનાથી ગભરાયેલી સગીરા રડતી હાલતમાં ઘરે પહોંચી હતી અને માતા તેમજ મોટી બહેનને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ પરિવાર આરોપીને સમજાવવા ગયો હતો, પરંતુ તેણે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. શાળાના દસ્તાવેજોના આધારે બનાવ સમયે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સાબિત થયું હતું. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલે મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા અને દલીલોને આધારે પાટણની સ્પેશિયલ પોક્સો અદાલતે જીગર સોલંકીને દોષિત ઠેરવી પોક્સો એક્ટની કલમ-12 હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹1,000 દંડની સજા ફટકારી હતી. સાથે જ પીડિત સગીરાના પુનર્વસન માટે ₹50,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ