
મહેસાણા, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલ (તિરુપતિ)ના માર્ગદર્શન હેઠળ ગ્રીન કમાન્ડોની ટીમે 111 ગુલમોહરના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતાં જણાવ્યું કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે લોકોને અપીલ કરી કે જ્યાં પાણીની પૂરતી વ્યવસ્થા હોય ત્યાં જ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી વૃક્ષો લાંબા સમય સુધી જીવંત રહી પર્યાવરણને લાભ આપી શકે. તેમણે ખેડૂતોને સરકારની વન કવર જેવી યોજનાઓનો લાભ લઈ ખાલી પડેલી જમીનમાં વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વૃક્ષારોપણથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથે ખેડૂતોને ભવિષ્યમાં આર્થિક લાભ પણ મળી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
જીતુભાઈ પટેલે “એક વૃક્ષ વાવો, પરંતુ તેને સાચવો”નો સંદેશ આપતાં કહ્યું કે પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની જવાબદારી છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષ સંવર્ધન માટે કાર્યરત છે અને રાજ્યભરમાં લાખો વૃક્ષોના વાવેતર તથા જતનનું કાર્ય કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR