
મહેસાણા, 05 જૂન (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં ચોમાસાની ઋતુ પૂર્વે મચ્છરજન્ય અને ચેપી રોગોનું નિયંત્રણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચકાસણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને શહેરી આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા વિવિધ જોખમી એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત કન્સ્ટ્રક્શન સાઇટ, ટાયર પંચરની દુકાનો, ભંગારના ગોડાઉન, ફેક્ટરીઓ તેમજ પાણી ભરાઈ રહેવાની શક્યતા ધરાવતા સ્થળોની મુલાકાત લેવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા મચ્છરોના પ્રજનન સ્થળોની ઓળખ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ચકાસણી દરમિયાન જ્યાં ગંદકી અથવા પાણીનો સંગ્રહ જોવા મળે છે ત્યાં સંબંધિત સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. જરૂર જણાય ત્યાં લેખિત નોટિસ પણ આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો સામે અસરકારક નિયંત્રણ માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
આ અભિયાનથી જિલ્લામાં જાહેર આરોગ્ય સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR