
મહેસાણા, 05 જૂન (હિ.સ.)વડનગર તાલુકાના કહીપુર ગામના ખેડૂત ઠાકોર રંગુજી હમીરજીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછી જમીનમાં વધુ ઉત્પાદન અને આવક મેળવવાનું સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2025થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર રંગુજીભાઈ હાલમાં પોણા વીઘા જમીનમાં 20થી વધુ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે.
તેઓ જામલી ભટ્ટા, રીંગણ, ગવાર, ભીંડા સહિત વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે અને સિઝન પ્રમાણે 20થી 22 પ્રકારના પાકો ઉગાડે છે. ખેતરમાં ઉત્પાદન થયેલું શાકભાજી તેઓ પોતાની કરિયાણાની દુકાન મારફતે વેચાણ કરે છે, જેના કારણે ગ્રાહકોને તાજું અને પ્રાકૃતિક શાકભાજી મળે છે.
ખેડૂતના જણાવ્યા મુજબ ગયા વર્ષે શિયાળુ શાકભાજીના વાવેતરમાંથી માત્ર પોણા વીઘા જમીનમાંથી આશરે ₹65,000નું વળતર પ્રાપ્ત થયું હતું. પરિવારના સભ્યોના સહયોગથી મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
પ્રાકૃતિક ખેતીમાં તેઓ ઘન જીવામૃત, જીવામૃત, ગોકૃપા અમૃતમ અને ગોબરગેસ પ્લાન્ટની સ્લરીનો ઉપયોગ કરે છે. ઉપરાંત તેમની ભત્રીજીઓ રીન્કુ અને જીંદલબેન સોશિયલ મીડિયા દ્વારા ખેતીની માહિતી અને વીડિયો શેર કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહી છે.
કહીપુરનો આ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી, પરિવારના સહયોગ અને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી મોડેલ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR