
મહેસાણા, 05 જૂન (હિ.સ.)ચોમાસાની વરસાદી સીઝનને ધ્યાનમાં રાખી મચ્છરજન્ય રોગચાળાના નિવારણ માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉબખલ ગામમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા પંચાયતના NVBDCP (નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ) અંતર્ગત આરોગ્ય ટીમે ઉબખલ વિસ્તારમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટો, ટાયર પંચરની દુકાનો તેમજ ભંગારના વેપારીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ બને તેવી પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સ્થળોના સંચાલકોને લેખિત નોટિસ આપી વરસાદી પાણી ભરાઈ ન રહે તેમજ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ પાણીના સંગ્રહવાળા સ્થળોની નિયમિત સફાઈ, જૂના ટાયર અને ભંગાર સામગ્રીમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી અગાઉથી જાગૃતિ અને નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પણ સ્વચ્છતા જાળવી મચ્છરજન્ય રોગોથી બચવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR