વિશ્વ પર્યાવરણ દિવસે પાટણમાં 400થી વધુ વૃક્ષોનું વાવેતર, 1000 રોપાઓનું વિતરણ
પાટણ, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્ય
વિશ્વ પર્યાવરણ દિવસે પાટણમાં 400થી વધુ વૃક્ષોનું વાવેતર, 1000 રોપાઓનું વિતરણ


પાટણ, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા 'એક પેડ માં કે નામ' અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન 400થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ 1000થી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અત્યંત જરૂરી છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈને વરસાદનું સંતુલન જાળવવા, તાપમાન ઘટાડવા અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં વૃક્ષોનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે વધુમાં લોકોને વૃક્ષારોપણ સાથે વાવેલા વૃક્ષોના જતન માટે પણ અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા પડકારો સામે વૃક્ષારોપણ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. આવનારી પેઢીને હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ આપવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ વન અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને હેરિટેજ વૃક્ષ યોજના અંતર્ગત ઐતિહાસિક અને વિશિષ્ટ મહત્વ ધરાવતા વૃક્ષોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ યોજના હેઠળ 350 સેન્ટીમીટર કે તેથી વધુ ઘેરાવો ધરાવતા વૃક્ષોનું જતન કરતા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે રૂ. 5,000ની સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો રાજ્ય સરકારના i-Portal મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande