
પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવના મંદિર સામે આવેલી ગલીમાં રહેતા એક વૃદ્ધનું રહસ્યમય સંજોગોમાં મોત થયાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ હર્ષદભાઈ કુરજીભાઈ રાયઠઠા(ઉ.વ.80) પોતાના રહેણાંક મકાનમાં એકલા રહેતા હતા અને એકલવાયું જીવન પસાર કરતા હતા. તેઓ પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી હતી.પ્રાથમિક માહિતી અનુસાર વૃદ્ધનું મૃત્યુ કુદરતી કારણોસર અથવા અન્ય કોઈ અગમ્ય કારણસર થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. પોલીસે હાલ અકસ્માત મોત (એ.ડી.)નો દાખલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વૃદ્ધના મોત પાછળ કોઈ શંકાસ્પદ સંજોગો છે કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya