
નવસારી, 05 જૂન (હિ.સ.): વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસારી શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નવસારી મહાનગરપાલિકાએ શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
સ્વચ્છતા અભિયાન હેઠળ શાંતાદેવી રોડ પર આવેલા મહાદેવ મંદિરથી વંદેમાતરમ ચોક સુધી મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. મેયર અશોક ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો સ્વયં સફાઈ કામગીરીમાં જોડાયા હતા. તેમણે લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણા આપી હતી.
ત્યારબાદ લુન્સીકુઈ મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ છોડ રોપવામાં આવ્યા હતા. સાથે જ નાગરિકોમાં વૃક્ષો વાવવાની જાગૃતિ ફેલાવવા માટે વિનામૂલ્યે છોડનું વિતરણ કરતી ‘વૃક્ષરથ’ સેવાને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાએ આગામી 100 દિવસમાં શહેરભરમાં અંદાજે 2.50 લાખ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો હતો. માત્ર વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોના જતન અને ઉછેર પર પણ ભાર મુકવામાં આવશે. ઉપરાંત શહેરની સ્વચ્છતા સતત જળવાઈ રહે તે માટે દર મહિને એક દિવસ એક કલાકના સામૂહિક શ્રમદાન અને સફાઈ અભિયાનનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે