
નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે 2027ના પદ્મ પુરસ્કારો માટે નામાંકન અને ભલામણો આમંત્રિત કર્યા છે. ઑનલાઇન નામાંકન જમા કરાવવાની અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલય અનુસાર, ગણતંત્ર દિવસ પર જાહેર થનારા પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ ચૂકી છે. નામાંકન અને ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઑનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સામેલ છે. વર્ષ 1954માં શરૂ કરાયેલા આ પુરસ્કારો કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, લોક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ યોગદાન માટે પ્રદાન કરવામાં આવે છે.
સરકારે કહ્યું કે, તે પદ્મ પુરસ્કારોને પીપલ્સ પદ્મ તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આ જ ઉદ્દેશ્યથી તમામ નાગરિકોને સ્વયં નામાંકન કરવા અથવા યોગ્ય વ્યક્તિઓની ભલામણ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. સરકારે ખાસ કરીને મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયો, દિવ્યાંગજનો તથા નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનારા પ્રતિભાશાળી લોકોની ઓળખ કરીને તેમના નામ આગળ વધારવા અપીલ કરી છે.
મંત્રાલય અનુસાર, નામાંકનમાં સંબંધિત વ્યક્તિની સિદ્ધિઓ અને વિશિષ્ટ સેવાઓનું સ્પષ્ટ અને વિસ્તૃત વિવરણ નિર્ધારિત પ્રારૂપમાં આપવું આવશ્યક રહેશે. પદ્મ પુરસ્કારો સંબંધિત વિસ્તૃત જાણકારી ગૃહ મંત્રાલય અને પદ્મ પુરસ્કાર પોર્ટલ પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ