

સુરત, 05 જૂન (હિ.સ.)-વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે સુરત પ્લેગ જેવી ગંભીર મહામારીથી પ્રભાવિત બન્યું હતું, પરંતુ આજે તે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવી સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે કહ્યું કે સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત સ્પિરિટ અને જનશક્તિનું પ્રતીક છે.
પોતાના સંબોધનની શરૂઆત તેમણે સ્થાનિક અંદાજમાં “કેમ છો બધા, આપણું સુરત મજામાં ને?” કહીને કરી હતી, જેને જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યો હતો.
વડાપ્રધાને ગુજરાત અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્યના લોકોએ ભાજપની સેવાભાવ અને વિકાસની રાજનીતિને સતત સમર્થન આપ્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલા પ્રચંડ જનાદેશને તેમણે જનવિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ જીત માત્ર રાજકીય સફળતા નથી, પરંતુ વિકાસ અને જનસેવાના કાર્યને વધુ વેગ આપવાની નવી જવાબદારી પણ છે. ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વધુ સમર્પણ અને મહેનત સાથે કાર્ય કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપ પર અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીમાં મળેલું સમર્થન એટલું પ્રચંડ રહ્યું કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેમણે ઉમેર્યું કે, કોઈપણ રાજકીય પક્ષને આટલા લાંબા સમય સુધી સતત જનસેવાનો અવસર મળવો દુર્લભ બાબત છે.
સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, સુરતમાં એક લાખથી વધુ લોકોએ પાંચ દિવસ સુધી ચાલેલા અભિયાનમાં ભાગ લઈને શહેરમાંથી કચરો એકત્ર કર્યો હતો. તેમણે તેને પોતાના માટે સૌથી મોટી ભેટ ગણાવી સુરતવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમણે જનભાગીદારી વધારવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત આજે ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’ના મંત્રને આત્મસાત કરીને વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે, આબોહવા પરિવર્તનના પડકારોને ઓળખીને ગુજરાતે વર્ષો પહેલાં જ આગવી પહેલ કરી હતી. આ સદીની શરૂઆતમાં રાજ્યમાં આબોહવા પરિવર્તન માટે અલગ વિભાગની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર દેશ માટે એક અનોખી પહેલ હતી.
તેમણે પાટણ જિલ્લાના ચારણકા ગામમાં દેશના પ્રથમ સૌર ઊર્જા ઉદ્યાનની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતે હરિત ઊર્જાના ક્ષેત્રમાં સમગ્ર દેશને નવી દિશા આપી છે. આજે ભારત પણ હરિત ઊર્જા અને ટકાઉ વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાને સુરતમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ યોજનાઓ શહેર અને રાજ્યના વિકાસને નવી ગતિ આપશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે પણ 140 કરોડ દેશવાસીઓને વિશ્વાસ છે ,કે દેશ સુરક્ષિત હાથોમાં છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારને વિકાસની તકમાં પરિવર્તિત કર્યો છે અને તેમના નેતૃત્વમાં ભારત પર્યાવરણ સંરક્ષણ તથા વિકાસ વચ્ચે સંતુલન જાળવીને નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે