આરબીઆઈએ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો: સંજય મલ્હોત્રા
- નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ, ચાલુ નાણાકીય વર્ષ 2026-27ની બીજી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ તેન
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા


- નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ, ચાલુ નાણાકીય વર્ષ 2026-27ની બીજી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ તેને 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. આનાથી હોમ અને કાર લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ વધશે નહીં.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ, શુક્રવારે નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની 3 દિવસીય દ્વિમાસિક સમીક્ષા બેઠક પછી આ નિર્ણયની જાહેરાત કરી. મલ્હોત્રાએ કહ્યું કે, નાણાકીય નીતિ સમિતિએ તટસ્થ વલણને જાળવી રાખીને ચાલુ નાણાકીય વર્ષની બીજી નાણાકીય સમીક્ષામાં નીતિગત દર રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

મલ્હોત્રાએ કહ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમને વિશ્વાસ છે કે અમે પડકારોને પાર કરીને વધુ મજબૂતીથી બહાર આવીશું. તેમણે કહ્યું, આ વર્ષ માટે વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ હવે 6.6 ટકા છે. અગાઉ અમે 6.9 ટકાનો અંદાજ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 6.6 ટકા, બીજા માટે 6.3 ટકા, ત્રીજા માટે 6.5 ટકા અને ચોથા માટે 6.8 ટકાનો અંદાજ છે.

દર બે મહિને એમપીસીની બેઠક

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)માં છ સભ્યો હોય છે. તેમાંથી ત્રણ રિઝર્વ બેંકના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. રિઝર્વ બેંકની દર બે મહિને નાણાકીય સમીક્ષાની બેઠક હોય છે. નાણાકીય વર્ષ 2026-27માં નાણાકીય સમીક્ષા સમિતિની કુલ 6 બેઠકો થશે, પ્રથમ બેઠક 6-8 એપ્રિલ, 2026ના રોજ થઈ હતી.

શું હોય છે રેપો રેટ

આરબીઆઈ જે વ્યાજ દર પર બેંકોને લોન આપે છે, તેને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ ઓછો થવાથી બેંકને ઓછા વ્યાજ પર લોન મળશે. બેંકોને લોન સસ્તી મળે છે, તો તેઓ અવારનવાર તેનો ફાયદો ગ્રાહકોને આપે છે એટલે કે બેંકો પણ પોતાના વ્યાજ દરો ઘટાડે છે.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ એપ્રિલ મહિનામાં એમપીસીની સમીક્ષા બેઠકમાં સર્વસંમતિથી તટસ્થ વલણ અપનાવીને રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો હતો. રિઝર્વ બેંકે છેલ્લી વાર ડિસેમ્બર 2025માં નીતિગત વ્યાજ દર રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande