
- અરજદારોને માર્ગદર્શિકા અને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ.
ભાવનગર, 05 જૂન (હિ.સ.) : ભાવનગર આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરીમાં આવતા અરજદારોને માર્ગ સલામતીના નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી તેમજ ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ માર્ગ સલામતી સંબંધિત માર્ગદર્શિકાનું વિતરણ કરીને લોકોને સુરક્ષિત વાહન વ્યવહાર માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટનો નિયમિત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો, નિયત ગતિમર્યાદાનું પાલન કરવું તેમજ દારૂના નશામાં વાહન ન ચલાવવું જેવી બાબતો અંગે ખાસ સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારની PM-Rahat તથા Rahveer જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ અરજદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માત સમયે ઘાયલોને તાત્કાલિક મદદ પહોંચાડનારા નાગરિકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી અમલમાં રહેલી યોજનાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. વધુમાં વધુ લોકો સુધી આ યોજનાઓનો લાભ અને માહિતી પહોંચે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આરટીઓ કચેરી દ્વારા યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમને અરજદારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. માર્ગ સલામતી અંગેની માહિતી અને માર્ગદર્શિકાઓથી લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને પોતાનું તથા અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી હતી. સુરક્ષિત માર્ગ વ્યવહાર દ્વારા અકસ્માતમુક્ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA