
ઓસ્લો (નોર્વે), નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). નોર્વે શતરંજ 2026ના નવમા રાઉન્ડમાં શુક્રવારે રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને ખિતાબની દોડને અંતિમ રાઉન્ડ સુધી જીવંત રાખી. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં બિબીસારા અસ્સાઉબાયેવાએ એક રાઉન્ડ બાકી રહેતા જ ખિતાબ પોતાના નામે કરી લીધો.
ઓપન વર્ગમાં ટોચના ક્રમાંકિત મેગ્નસ કાર્લસન અને અમેરિકાના વેસ્લી સો વચ્ચે ક્લાસિકલ મુકાબલો ડ્રો રહ્યો. ત્યારબાદ રમાયેલા આર્માગેડન મુકાબલામાં વેસ્લી સોએ જીત નોંધાવીને વધારાના અંક મેળવ્યા અને અંતિમ રાઉન્ડ પહેલાં પોતાની લીડ જાળવી રાખી.
દિવસનું સૌથી મોટું પરિણામ ભારતીય ખેલાડીઓ વચ્ચેના મુકાબલામાં જોવા મળ્યું. કાળા મહોરાંથી રમતા પ્રજ્ઞાનાનંદે ગુકેશને પરાજિત કર્યા. મધ્ય રમતમાં (મિડલ ગેમ) દબાણ બનાવ્યા પછી પ્રજ્ઞાનંદે શાનદાર રીતે મેચ પોતાના નામે કરી અને પૂરા ત્રણ અંક મેળવ્યા.
આ જીત પછી પ્રજ્ઞાનાનંદના 15 અંક થઈ ગયા છે અને તેઓ હવે ટોચ પર ચાલી રહેલા વેસ્લી સોથી ફક્ત અડધો અંક પાછળ છે.
બીજી તરફ, ફ્રાન્સના અલીરજા ફિરોઝઝા પણ ખિતાબની દોડમાં યથાવત છે. તેમણે ક્લાસિકલ મુકાબલામાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી વાપસી કરી અને બાદમાં આર્માગેડનમાં વિન્સન્ટ કીમરને હરાવીને વધારાના અંક મેળવ્યા.
નવમા રાઉન્ડ પછી અંક તાલિકા:
વેસ્લી સો — 15.5 અંક
પ્રજ્ઞાનાનંદ — 15 અંક
અલીરજા ફિરોઝઝા — 14.5 અંક
મહિલાઓમાં બિબીસારા બન્યા ચેમ્પિયન
મહિલા વર્ગમાં કઝાકિસ્તાનની બિબીસારા અસ્સાઉબાયેવાએ એક રાઉન્ડ પહેલાં જ નોર્વે શતરંજ મહિલા ખિતાબ જીતી લીધો.
તેમણે યુક્રેનની અન્ના મુઝીચુક સામે ક્લાસિકલ મુકાબલો ડ્રો રમ્યો. બાદમાં આર્માગેડનમાં મુઝીચુકે વધારાના અંક તો મેળવ્યા, પરંતુ તેમ છતાં બિબીસારાની લીડ ગાણિતિક રીતે અજેય બની ગઈ.
મહિલા વર્ગમાં દિવસની એકમાત્ર ક્લાસિકલ જીત ચીનની ઝુ જિનરે ભારતની દિવ્યા દેશમુખને હરાવીને નોંધાવી.
જ્યારે ભારતની કોનેરુ હમ્પી અને વર્તમાન મહિલા વિશ્વ ચેમ્પિયન ઝુ વેનજુન વચ્ચે ક્લાસિકલ મુકાબલો ડ્રો રહ્યો, પરંતુ આર્માગેડનમાં ઝુ વેનજુને જીત મેળવી.
મહિલા વર્ગ અંક તાલિકા (રાઉન્ડ 9 પછી):
બિબીસારા અસ્સાઉબાયેવા — 16.5 અંક (ચેમ્પિયન)
ઝુ જિનર — 13 અંક
અન્ના મુઝીચુક — 12 અંક
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ