
ભાવનગર, 05 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા મીલની ચાલી નજીકથી પસાર થતી ભાવનગર-બોટાદ પેસેન્જર ટ્રેન નીચે આવી જતાં 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે ભાવનગર-બોટાદ પેસેન્જર ટ્રેન કુંભારવાડા મીલની ચાલી પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક યુવક અચાનક ટ્રેન નીચે આવી ગયો હોવાની જાણ ટ્રેનના લોકો પાયલોટને થતાં તાત્કાલિક ટ્રેન રોકી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે તપાસ કરતાં ટ્રેન નીચે યુવકનો મૃતદેહ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સંબંધિત તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ કુંભારવાડા મીલની ચાલી નજીક રહેતા યાસીન ઉર્ફે નાયો હનીફ સમા તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે પોતાના પિયરમાં રહેતી હતી. પત્નીને ઘરે પરત લાવવા માટે યાસીનભાઈએ અનેક પ્રયાસો કર્યા હોવા છતાં તે પરત આવી ન હતી. આ બાબતને લઈને તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે. માનસિક કંટાળાના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના અચાનક નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ, નિરાશા અથવા આત્મહત્યાના વિચારોનો સામનો કરી રહી હોય, તો પરિવારજનો, મિત્રો અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ લેવી ખૂબ જ જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA