

ગાંધીનગર, 05 જૂન (હિ.સ.) માય ભારત, ગાંધીનગર (ગુજરાત) દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘાના માર્ગદર્શન હેઠળ સેક્ટર-૧૬ સ્થિત યુથ હોસ્ટેલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ ઉત્સાહી યુવા સહભાગીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ માય ભારત-ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્માએ ઉપસ્થિત યુવાનોને સંબોધતા પર્યાવરણના જતન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને યુવાધનને પ્રકૃતિની સંભાળ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘાએ તમામ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને 'માય ભારત' પ્લેટફોર્મની વિવિધ પ્રવૃત્તિઓ તથા ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે ગાંધીનગર હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ વિષ્ણુ પ્રજાપતિ તેમજ 'તસવીરે ગાંધીનગર'ના તંત્રી કશ્યપ નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ (NGO) ના પ્રતિનિધિઓ જેવા કે અશોક સુથાર (અક્ષર જ્ઞાન), જીગર ચૌધરી (સ્વીટ ફાઉન્ડેશન), સમીર રામી (હેપ્પી યુથ ક્લબ) અને ડૉ. ભાસ્કર શુક્લા (યુવા વિકાસ કેન્દ્ર), ધ્રુવી શાહ (સ્વા વેલનેશ) પણ હાજર રહ્યા હતા.
આ ઉજવણી અંતર્ગત યુથ હોસ્ટેલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છ તેમજ હરિયાળા પર્યાવરણ માટેના શપથ લીધા હતા. આ સાથે જ સીડસ બોલ્સ (બીજ ગોળા) બનાવવાની પ્રવૃત્તિ અને પર્યાવરણ આધારિત ચિત્ર સ્પર્ધા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરાયું હતું. યુવા સહભાગીઓએ આ તમામ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો અને માય ભારતના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
આ સમગ્ર સરકારી કાર્યક્રમને સફળ બનાવવામાં માય ભારતના સ્વયંસેવકો દીપ પટેલ, જીગ્નેશ ગોસ્વામી અને હર્ષદ ઠાકોર દ્વારા પ્રશંસનીય યોગદાન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ