
ભાવનગર, 05 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શામપરા-સીદસર ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પર્યાવરણની સુરક્ષા, સંવર્ધન અને વન સંરક્ષણના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, યુવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓ, વૃક્ષો અને પ્રકૃતિના વિવિધ તત્ત્વોને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે, જે આપણને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા “મિશન લાઇફ” અને “એક પેડ માં કે નામ” જેવા અભિયાનોએ જનસામાન્યને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
મંત્રીએ પાણી અને વીજળીના સંયમિત ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ અને વધુમાં વધુ વૃક્ષારોપણ જેવા નાના પ્રયાસો પર્યાવરણ બચાવવા માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લામાં શરૂ કરાયેલા “ગ્રીન બેલ્ટ અભિયાન” અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેમના સંવર્ધન અને જાળવણી પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શામપરા ગામના યુવાનો દ્વારા વૃક્ષોની સંભાળ રાખી પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વેગ આપવા માટે સાંસદ નિધિમાંથી રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
અંતે તેમણે સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને “હરિયાળું ભાવનગર” નિર્માણના સંકલ્પને સાકાર બનાવવા માટે સક્રિય સહભાગી બનવાની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA