
જુનાગઢ 05 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસના દિને આજ રોજ જૂનાગઢ રેલ્વે કોલોની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના હસ્તે વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ સ્વચ્છ હવા, વરસાદના સંવર્ધન, જળસંચય અને જીવસૃષ્ટિના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉપરાંત જિલ્લામાં હરિયાળી વિસ્તાર વધે અને ગ્રીન કવર મજબૂત બને તે માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ગ્રીન કવર યોજના અંતર્ગત ખડિયા, ડુંગરપુર અને ખોખરડા ખાતે આવેલી ખાતાકીય નર્સરીઓમાંથી લોકોને વિના મૂલ્યે ફળાવ, ઔષધીય તેમજ છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં રેલ્વે વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેનેજર વર્માજી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણા તેમજ વન વિભાગ અને રેલ્વે વિભાગના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય ભાગીદાર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દ્વારા “એક વૃક્ષ – એક જીવન”નો સંદેશ આપી હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી સમાજના નિર્માણ માટે સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ