
- અગાઉ રોગચાળાના કારણે 12નાં મોત થયા હતા.
ગીર/ગાંધીનગર, 05 જૂન (હિ.સ.) : ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં અંદાજિત આઠ સિંહબાળના મૃત્યુને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી હતી. આ મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બીમાર પડેલા 17 સિંહોને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી સઘન સારવાર આપ્યા બાદ હાલ આ 17માંથી 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને વનમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 5 સિંહ હાલ ઓબ્ઝર્વેશન અને સારવાર હેઠળ છે. તેમની તબિયત પણ સુધારા પર છે અને આગામી સમયમાં તેઓને પણ વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સિંહોના મૃત્યુ પાછળ કોઈ ગંભીર વાઇરસ જવાબદાર નથી અને હાલ સિંહોમાં વાઇરસને લઈને કોઈ જ પ્રકારની ચિંતાનું કારણ નથી. વન વિભાગ દ્વારા 600 જેટલા સિંહોનું ડી-ટીકિંગ અને ડી-વોર્મિંગ પણ કરવામાં આવ્યું છે.
ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા 15 દિવસથી સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ રોગના કારણે અંદાજે 12 સિંહના મોત થયા હતા.
જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે.
આ પરિસ્થિતિને પગલે કુલ 17 સિંહને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા.
આ સિંહોની સારવાર માટે જામનગર સ્થિત વનતારાની ટીમ, સાસણના વેટરનરી તબીબો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના કર્મચારીઓ સતત દેખરેખ રાખી રહ્યા હતા. સારવારના પરિણામે સિંહોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો, જેનાથી વન વિભાગે રાહત અનુભવી હતી.
ગીર પૂર્વ રેન્જના ડીસીએફ વિકાસ યાદવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જે સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત પણ સુધારા પર છે અને તેમને પણ ટૂંક સમયમાં જંગલમાં મુક્ત કરવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને વન વિભાગની તમામ રેન્જની ટીમ સિંહોનું સતત મોનીટરીંગ કરી રહી છે. હવે સિંહો જંગલમાં મુક્તપણે વિહરી રહ્યા છે.
6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) હજુ પણ સારવાર હેઠળ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ