
ભાવનગર, 06 જૂન (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા શહેરના ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરવા માટે કુંભારવાડા ડમ્પ સાઇટ, 50 TPD ક્ષમતાવાળા C&D (Construction and Demolition Waste) પ્લાન્ટ સાઇટ તથા હાલ કાર્યરત સેનિટરી લેન્ડફિલ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. કુંભારવાડા ડમ્પ સાઇટ પર કચરાના વૈજ્ઞાનિક નિકાલ, કચરાના વિભાજન અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાપન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડમ્પ સાઇટ પર સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના યોગ્ય સંચાલન માટે જરૂરી પગલાં ભરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
50 TPD ક્ષમતાવાળા C&D પ્લાન્ટની મુલાકાત દરમિયાન બાંધકામ અને તોડફોડમાંથી નીકળતા કચરાના રિસાયક્લિંગ અને પુનઃઉપયોગની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્લાન્ટ દ્વારા શહેરમાં નિર્માણ કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ સેનિટરી લેન્ડફિલ સાઇટની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી કામગીરી, કચરાના વૈજ્ઞાનિક નિકાલની પદ્ધતિઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. પદાધિકારીઓએ કામગીરીને વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના ધોરણોનું કડક પાલન કરવા તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દ્વારા શહેરના ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA