
મોરબી/અમદાબાદ, 06 જૂન (હિ.સ.) : ગઇકાલે રાત્રે મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક પૂરઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, આ ગંભીર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, રણછોડગઢ તા.પંના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
રણછોડગઢ ગામના યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું. જેથી તેને ઈજા પહોંચી હતી. જેને પગલે પરેશના પિતા સહિત તેના ગામના લોકો કિયા કારમાં સવાર થઈને પરેશને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
કારમાં ફસાયેલા લોકોને પતરા કાપીને બહાર કઢાયા.
આ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં બાઈકમાં ઈજાગ્રસ્ત થયેલા પરેશનો પણ સમાવેશ થાય છે.
ઉપરાંત આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ મોત થયું છે. જ્યારે પરેશના પિતા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જેઓ હાલ મોરબી તથા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.
આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ