



પોરબંદર, 07 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને, તમામ વિભાગોના શાખા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નાગરિકોને વધુ અસરકારક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેયરે દરેક શાખાના અધિકારીઓ પાસેથી તેમની શાખામાં ચાલી રહેલી કામગીરી, કર્મચારીઓની જવાબદારીઓ તેમજ વર્ક ફ્લો અંગેની વિગતો મેળવી હતી. વિવિધ વિભાગોની કામગીરીનું નિયમિત મોનિટરિંગ થઈ શકે, કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થાય તે માટે દરેક શાખાને પોતાના વિભાગ મુજબ દૈનિક પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન મેયરએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવતી સફાઈ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણીની સુવિધા, રોડ-રસ્તાના સમારકામ સહિતની નાગરિક સુવિધાઓને લગતી કામગીરીની દૈનિક સમીક્ષા કરવામાં આવે તેમજ નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું. ફાયર વિભાગ દ્વારા આગ તથા અન્ય આપત્તિના સમયે કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મેયરે, બોખીરા આવાસ વિસ્તારમાં સીસીટીવી કેમેરા સ્થાપનાની આયોજનબદ્ધ કામગીરી માટે તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ આવાસ વિસ્તારમાં પીવાના પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે સમીક્ષા કરીને ઝડપી નિરાકરણ લાવવા ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન પી.એમ. સ્વનિધિ યોજના તથા અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સંબંધિત વિભાગોને સક્રિય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya